ધરાસણા સત્યાગ્રહ: ભારતમાં દાંડીકૂચ પછી સવિનય કાનૂનભંગની મહત્વની રાષ્ટ્રીય ઘટના. 6 એપ્રિલ, 1930ના રોજ ગાંધીજીએ દાંડીના દરિયાકિનારેથી ચપટી મીઠું ઉપાડીને સરકારના કાયદાનો ભંગ કર્યો. તે સાથે સમગ્ર દેશમાં લડત ચાલુ થઈ. ત્યારબાદ ગાંધીજીએ ધરાસણા(જિ. વલસાડ)ના મીઠાના અગરો પર હલ્લો લઈ જવાનો પોતાનો ઇરાદો જાહેર કર્યો. તેમણે વાઇસરૉયને તેની જાણ કરી. તેમાં મીઠા ઉપરનો કર તથા ખાનગીમાં મીઠું પકવવાનો પ્રતિબંધ દૂર કરવા વિનંતી કરી. આમ સરકારના દમન સામે ગાંધીજીએ ઉગ્ર પગલું ભરવાનો નિર્ધાર કર્યો, ત્યારે 5 મે 1930ના રોજ તેમની ધરપકડ કરી યરવડા જેલમાં લઈ જવામાં આવ્યા. ગાંધીજી પછી ધરાસણા સત્યાગ્રહની આગેવાની સંભાળનાર અબ્બાસ તૈયબજીએ 12 મેની સવારે સ્વયંસેવકોની ટુકડી સાથે કરાડીથી કૂચ કર્યા બાદ થોડી વારમાં તે બધાંની ધરપકડ કરવામાં આવી. 15 મેના રોજ સરોજિની નાયડુની આગેવાની હેઠળ ધરાસણાના અગરો સુધી ગયેલી ટુકડીના સ્વયંસેવકોએ પોલીસની હરોળ તોડવાને બદલે પાસે બેસીને કાંતવા માંડ્યું. 16 મેની સવારે 50–50 સ્વયંસેવકોની ત્રણ ટુકડીઓ સરોજિની નાયડુના નેતૃત્વ હેઠળ ધરાસણા પહોંચી. તેમને બધાંને પકડીને ધરાસણાની હદ બહાર છોડી મૂકવામાં આવ્યાં.