રાજકોટ સત્યાગ્રહ (1938-39) : રાજકોટ રાજ્યમાં લોકો ઉપર અત્યાચારો થવાથી જવાબદાર રાજ્યતંત્ર મેળવવા માટે થયેલ સત્યાગ્રહ. રાજકોટના ઠાકોર લાખાજીરાજ (1907-1930) પ્રજાપ્રેમી અને પ્રગતિશીલ વિચારો ધરાવતા હતા. તેમણે વહીવટમાં સલાહ આપવા માટે પ્રજાપ્રતિનિધિ સભાની સ્થાપના કરી હતી. રાજકોટમાં રાષ્ટ્રીય શાળા સ્થાપવા માટે તેમણે જમીન આપી હતી તથા ગાંધીજીનાં રચનાત્મક કાર્યો પ્રત્યે તેઓ સહાનુભૂતિ ધરાવતા હતા. લાખાજીરાજના અવસાન બાદ તેમના પુત્ર ધર્મેન્દ્રસિંહ (1930-40) ગાદીએ બેઠા. તેમના રાજ્યનો કારભાર દીવાન દરબાર વીરાવાળા ચલાવતા હતા. વીરાવાળાએ લોકો ઉપર અનેક કરવેરા લાદ્યા. તેમણે દીવાસળી, ખાંડ, બરફ વગેરેના ઇજારા આપ્યા. રમતગમતની કાર્નિવલ કંપનીને જુગારનો પરવાનો આપ્યો. ખેડૂતો ઉપર જાતજાતના કરવેરા તથા વેઠવારા લાદ્યા. તેથી રાજકોટની જાગ્રત પ્રજાએ આવા અત્યાચારો સામે માથું ઊંચક્યું. રાજકોટમાં રાજ્યની માલિકીની મિલમાં મજૂરો પાસે 10થી 12 કલાક કામ કરાવવામાં આવતું. તેથી મિલ-કામદારોએ એક યુનિયન સ્થાપ્યું. ફેબ્રુઆરી 1937માં મિલ-કામદારોના યુનિયનને ગેરકાયદેસર ઠરાવી તેના કાર્યવાહક મંડળના 14 આગેવાનોને પકડીને સરકારે હદપાર કર્યા. સ્થા